(રાગ :- ધોળ) ‘કુંદનપુર વિવા’ રચ્યો’ – એ ઢાળ.

લાગું પાયે પરબ્રહ્મને, સોયે સદ્ગુરુ શ્યામ ।।

સંતવેષે શ્રીહરિ, એક રૂપ ને ત્રય નામ ।। ૧ ।।

મંગળ ઇચ્છે જો મનમાં, તો સોંપે શરણે શીશ ।।

અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમિશ ।। ૨ ।।

વિવા’તે નામે વધામણું, માંહી વર કન્યાની વાત ।।

વૃત્તિ તે નામ વનિતા, વર શ્રીહરિ સાક્ષાત ।। ૩ ।।

વરે વર્યાની ઇચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદવૈરાગ્ય ।।

ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ ।। ૪ ।।

સ્વાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવાતણ ।।

આવો સખી સરવે મળી, ગાઈએ ગોવિંદજીના ગુણ ।। ૫ ।।

ધન્ય ધન્ય જન્મ માહેરો, થયું સગપણ શ્યામને સાથ ।।

ઇચ્છા તે વર મુજને મળ્યો, નિષ્કુળાનંદનો નાથ ।। ૬ ।।