(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ.

શુદ્ધ વિચારથી સાબદા થાઓ રે, ચલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે;

જિયાં રે વસે છે જદુપતિ નાથ રે, કે’જયો જઈ વિનતિ જોડી બેઉ હાથ રે. ।। ૧ ।।

વે’લા પધારે હો વિશ્વાધાર રે, વાટ કોઈ જુવે છે વિરહવતી નાર રે;

સર્વે સખાને તે તેડજયો સાથ રે, ઓપે આંગણિયું અમારું હો નાથ રે. ।। ૨ ।।

મારાં કુટુંબી બો’ળા છે બહુ રે, હાંસી જો કરવા આવશે સહુ રે;

તે તો તમ થકી પામશે હાર રે, લવલવ કરતાં રહેશે નરનાર રે. ।। ૩ ।।

એક અમે તમે અંક જ ભરશું રે, મનના મનોરથ પૂરા કરશું રે;

સુખનો સમાજ સંગે લાવજયો રે, નિષ્કુળાનંદના સ્વામી આવજયો રે. ।। ૪ ।।