પૂર્વછાયો :-
શું થાશે હવે સાંભળો, જે આવ્યાં દુઃખ અનેક ।।
અતિ વેદના વીંછી તણી, રોમ રોમ માંય વિશેક ।। ૧ ।।
ત્યારે જાણ થયું જમરાજને, કિંકર મેલ્યા કોટ ।।
એહ પાપીને પીડતાં, લઈ આવજયો ચડી ચોટ ।। ૨ ।।
ચોપાઈ :-
આપી આગન્યા થયું નગારું, હુવો હુકમ ઊઠ્યા હજારું ।।
સંગ લઈ નેજા ને નિશાણ, જમરૂપે દીસે છે જોરાણ ।। ૩ ।।
અતિ કાળા ને બોલે છે ક્રૂર, નયણાં દીસે ઉગમતો સૂર ।।
ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજજ થયા તતકાળ ।। ૪ ।।
ધર્યાં રૂપ ભયાનક ભૂંડા, અતિ લોચન દીસે છે ઊંડા ।।
દીસે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન ।। ૫ ।।
ફાડ્યાં મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસિયો બે બે વાંભ ।।
અતિ દાંત દેખાડે છે બા’ર, જોતા જીભા ન પામિયે પાર ।। ૬ ।।
તીખા ત્રાક સરીખા છે રોમ,પિંડ પહોંચ્યાં પૃથ્વી ને વ્યોમ ।।
પિંડ એવાં ને અવળાં મુખ, જેને જોતામાં જાય છે સુખ ।। ૭ ।।
ખરમુખા ને લાંબા છે કાન, અતિ દીસે છે વરવે વાન ।।
કેનાં શ્વાનના જેવા છે મુખ, ધર્યા તન દેવા અતિ દુઃખ ।। ૮ ।।
કેના પગ ફણા બે છે પૂંઠ્યે, ગર્જે મેઘ સમ ઘોર ઊઠે ।।
કેનાં સિંહના સરીખાં છે મુખ, વ્યાઘ્રમુખા દિયે અતિ દુઃખ ।। ૯ ।।
ગજમુખા ઘોડામુખા ઘણા, નોળ નારમુખા બિયામણા ।।
ઝરખ ઝૂડ મઘર મુખા કહિયે, ભૂખ્યા લોહી ને માંસના લહિયે ।।૧૦।।
પાડામુખા વિઝુમુખા વળી, અજગરમુખા લિયે છે ગળી ।।
ગજર્ય ગીધમુખા કૈ ગણાય, કવા ઘુડ મુખા છે ઘણાય ।।૧૧।।
શિયાળ વ્યાળમુખા ભૂખ્યા ભમે, તે તો પાપી પ્રાણી દેખી દમે ।।
મે’શ શાહી થકી પણ કાળા, શૂળ સરખા છે અંગે મવાળા ।।૧૨।।
રાતા દાંત રુધિરના ભર્યા, બહુ લાંબા તે બા’ર નીસર્યા ।।
કેશ અવળા ને દીસે છે કાળા, ફેરે લોચન નીસરે જવાળા ।।૧૩।।
કૈક શીશ વિના ધડ ધ્રોડે, કૈક નિજદંતે તન તોડે ।।
કેના મુખ સુવરના જેવાં, કર્યા રૂપ ભયાનક એવાં ।।૧૪।।
કોય ગોંદમાં મુખ દેખાડે, ધર્યાં તન એકવીશ તાડે ।।
કર આંગળી લાંબા છે નોર, દીસે વજ્રથકી તે કઠોર ।।૧૫।।
તેણે ટાળે છે પાપીનું ઠામ, નથી પડતું આયુધનું કામ ।।
ઢીકા ધોલ ને ગડદા ઘણા, મેલે માથામાં ન રહે મણા ।।૧૬।।
હાથે લીધાં છે બહુ હથિયાર, થયા કિંકર સહુ તૈયાર ।।
લઈ ગદા ગૃજય ખેલ સાથે, મુદગર મોગરિયો છે હાથે ।।૧૭।।
પરશુ ત્રિશૂળને તરવાર, ધર્યા ધોકા છરા ને કટાર ।।
ચક્ર ચિપિયા ચાપ ને બાણ, કાળપાશ ને કુંતડા પાણ ।।૧૮।।
સુયા સાંણસિયો સૂડી સૂળી, એથી પીડા થાયે અણતુળી ।।
મોટા ભાલા હાથમાં મૂસળ, પેખી પાપી ન માને કુશળ ।।૧૯।।
આરા પનારા હાથે હથોડા, મારે માથામાં લોઢાના જોડા ।।
એવાં આયુધ અતિ અપાર, તેનો કે’તાં તે ન આવે પાર ।।૨૦।।
ચડ્યા ઊંટ ખરે તે અપાર, થયા ઝરખ પાડે અસવાર ।।
રીંછ ભીંછ ભૂંડણાં ને રોઝ, થઈ ત્યાર ચાલી જમફોજ ।।૨૧।।
કૈક ચડ્યા ને કૈક પાળા, કૈક બોડિયા કૈક શિંગાળા ।।
કૈક પ્રૌઢ પરવત જેવા, આવે પાપીને તેડવા એવા ।।૨૨।।
કૈક રૂઠા રિસાળા છે અંગે, કટ્ટા કાંણિયા ચાલ્યા છે સંગે ।।
કાળિયો ને કૈ’યે દકાળિયો, અકાળિયો અચિરકાળિયો ।।૨૩।।
લટપટિયો ને ઝટપટિયો, અટપટિયો ને કુટપટિયો ।।
બળબળતો ને કળકળતો, વળવળતો ને ગળગળતો ।।૨૪।।
હડહડતો ને ફડફડતો, કડકડતો ને ભડભડતો ।।
એવાં જાણજયો જમનાં નામ, જેને મળે તેનું ટાળે ઠામ ।।૨૫।।
મરડિયો ને કૈ’યે ઠરડિયો, ઘસરડિયો ને કરડિયો ।।
કાણિયો ને કૈ’યે જોબાણિયો, તાણિયો ને વળી હેરાણિયો ।।૨૬।।
જટો જમ ને કટો જો કહિયે, ઝટો ને વળી ઝપટો લહિયે ।।
ત્રાડિયો ફાડિયો તીખા ઘણા, રાડિયો હાડિયો બિયામણા ।।૨૭।।
દંતિયો અંતિયો બે આકરા, હંતિયો દુર્મતિયો ખરા ।।
ત્રાંશિયો ફાંશિયો તીખાઆગ, માંસિયો કાંસિયો કાળા નાગ ।।૨૮।।
કહિયે કર્મિયો ને અધર્મિયો, વિકર્મિયો વળી કુકર્મિયો ।।
ઝેરિયો વેરિયો નમે’રિયો, મહાકોપનો ભર્યો કેરિયો ।।૨૯।।
એક અડબંગો હુડધંગો, કહિયે કુઢંગો ને શિરભંગો ।।
રોળિયો ને ડોળિયો રિસાળા, ત્રિશુળિયો બોળિયો બે કાળા ।।૩૦।।
એવાં નામ જાણો જમતણાં, લખું કેટલાં છે અતિ ઘણાં ।।
જેવાં નામ રૂપ પણ એવાં, તેનાં પ્રાક્રમ પણ જાણો તેવાં ।।૩૧।।
હોઠ લાંબા દાંત મુખબા’રા, પેટ જાણિયે પાટ પટારા ।।
મોટા ગોળા જેવડા બે ગાલ, ખરડ્યા રુધિરે દીસે બેહાલ ।।૩૨।।
ફાટ્યાં મુખ ને ફરશિયો હાથે, ઘણા ઘૂંચાણા મવાળા માથે ।।
વાંકા કાંધ ને વસમા ઘણા, ભૂંડા ભયંકાર બિયામણા ।।૩૩।।
એવા ચૌદ ક્રોડ જમ જેહ, થઈ ભેળા નિરદયી તેહ ।।
ચાલ્યા કિંકર સરવે સજી, જેમ મેઘ આવે ઘોર ગરજી ।।૩૪।।
ધાયા કિંકર કુટુંબ લઈ, જેમ ઊલટે સમુદ્ર સઈ ।।
કરે હોહો કતોહલ ભારી, જેમ ગર્જે વારિધિએ વારિ ।।૩૫।।
માર્ય માર્ય કરતાં તે આવ્યા, સંગે સેન સઘળું તે લાવ્યા ।।
એમ આવી ઘેર્યો પાપી પ્રાણી, મારો મારો કહે મુખવાણી ।।૩૬।।
દઈ દંડ ને કાઢજયો બા’ર, રખે કરતા વેળ્ય લગાર ।।
રુંધી દ્વાર દિયો બહુ દુઃખ, પામેે પીડા પ્રભુનો વિમુખ ।।૩૭।।
ત્યારે બેઠા આવી કાનદ્વારે, કીધું બંધ સુણવાનું ત્યારે ।।
કહે છે કાનમાં સહુ પોકારી, સગા સંબંધી ને સુત નારી ।।૩૮।।
નાખી નોધારાં અમને આજ, મૂવો કટાણે કર્યું અકાજ ।।
એમ કહે છે સુત નારી આવી, સાંત્યું સંઘર્યું જાજયે બતાવી ।।૩૯।।
પણ કયાંથી સુણે એહ સમે, યમદૂત દુઃખ દઈ દમે ।।
વળી આંખ્યે બેઠા છે અપાર, ટાળી ઓળખાણ તેહવાર ।।૪૦।।
ઝાલી જીહ્વા ન બોલાય વાણી, રોકયો કંઠ ન ઊતરે પાણી ।।
કીધાં બંધ દશે એમ દ્વાર, પછી દિયે છે દંડ અપાર ।।૪૧।।
કેનેક દોય ને કેનેક ચાર, કેનેક અષ્ટ કેનેક હજાર ।।
અતિપાપી હોય પાપવંત, તેને આવે તેડવા અનંત ।।૪૨।।
દિયે દંડ નાવે દિલ દયા, પામે દુઃખ ન જાય મુખ કહ્યાં ।।
તોય ન કર્યો એમ વિચાર, જે મેં ખોયો એળ્યે અવતાર ।।૪૩।।
મૂકી ન્યાય મેં કીધો અન્યાય, પીડ્યાં રાંકને વાંક વિનાય ।।
સાચા સદગુરુ સંત ન સેવ્યા, સેવ્યા તે નીસર્યા મુજ જેવા ।।૪૪।।
જેના પંચ વિષયે હર્યા પ્રાણ, ધન ત્રિયા તણા જે વેચાણ ।।
ફાંશિયા ને ફોગટિયા ફેલી, ચાલે ધર્મ મર્યાદાને મેલી ।।૪૫।।
તેને જાણ્યા મેં સદગુરુ સંત, તેનું લાગ્યું આ પાપ અત્યંત ।।
ભૂલ્યો ભોળાયે એને ભરોંસે, હવે સુખ થાવા સઈ આશે ।।૪૬।।
આજ કેણે કીધી નહિ સા’ય, તેની ખોટ્ય ન સમજયો કાંય ।।
હવે શિયો કરે એ ઉપાય, પૂર આવ્યે ન પાળ બંધાય ।।૪૭।।
ખોટા ગુરુનાં ખાસડાં ખાઈ, ચાલ્યો જીવ જમપુરી માંઈ ।।
સાચી વાત છે શાસ્ત્ર પુરાણે, ખોટી નહિ થાય અંતને ટાણે ।।૪૮।।
કહ્યું બાળ યુવા વૃદ્ધ આદે, પણ રહેશો મા એવે વાયદે ।।
નથી મરણ તણો નિરધાર, બાળ જોબન મરે અપાર ।।૪૯।।
સઉ પડ્યાં છે કાળને પાશ, ત્યારે વૃદ્ધનો શિયો વિશ્વાસ ।।
આજ કાલ્યમાં જવું છે ઊઠી, ઇયાં રહ્યાની વાત છે જૂઠી ।।૫૦।।
એક જન્મે ને એક મરે છે, એમ અહોનિશ કાળ કરે છે ।।
નથી રહેતું કોઈ નિરધાર, ચાલ્યો જાય છે સહુ સંસાર ।।૫૧।।
કોઈ ચેતી શકો તો ચેતવું, સુણી શ્રવણે સંકટ એવું ।।
ચેતવું ચિત્તે ચાનક લાવી, હાંહાં કરતાં વાત નડે આવી ।।૫૨।।
જમ આવીને ઝાલશે ગળે, ત્યારે કોણ કેનું તેહ પળે ।।
જેને માથે છે જમની ફોજ, તેને શિયાં સુખ સઈ મોજ ।।૫૩।।
મોટાનું વેર માથે છે મોટું, હરિ ન ભજે ન થાય ખોટું ।।
મટે વેર તો પામિયે સુખ, ફરી આવે નહિ એહ દુઃખ ।।૫૪।।
જેણે કરી જાય જમ સાથે, એવું ન કરીએ નિજ હાથે ।।
જેણે કરી મટે જમફંદ, કરિયે એવું કે નિષ્કુળાનંદ ।।૫૫।।

