દોહા :

ભોજન બહુ રસે ભર્યા, જુગતે કરિયા જેહ ।।

આણ્યાં ચોકી ઉપરે, તાજા જમવા તેહ ।।૧।।

પાક બહુ પ્રકારના, વિધવિધના વ્યંજન ।।

પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે ।। લાખણસાઇ ને સેવૈયા, જમતાં જોયા છે ।।

તળીયા બળિયા માંય તેજાના,જમતાં૦ । કાજુ કળિયા મનમાન્યા,જમતાં૦ ।।૩।।

પેંડા પતાસાં ને પુરી,જમતાં૦। સુતરફેણી ને સાબુડી,જમતાં૦ ।।

શક્કરપારા સેવ સુંવાળી,જમતાં૦ । પુરી કચોરી રૂપાળી,જમતાં૦ ।।૪।।

હલવો હરિસો રસાળો,જમતાં૦ । ગેબર ગુંદરપાક રૂપાળો,જમતાં૦ ।।

ગગનગાંઠિયા ગુંદવડી,જમતાં૦ । ગળાસાટા ગળપાપડી,જમતાં૦ ।।૫।।

શીરો સાથુ સાકર ચણા,જમતાં૦ । મુરકી મુરબો મેસુબ ઘણા,જમતા૦ ।।

માલપુડા સાકરતણા,જમતાં૦ । બરફી બીરંજ એલચીદાણા,જમતાં૦ ।।૬।।

બાટી બાજરા ઘઉંની,જમતાં૦ । ઘણા ઘીમાં બોળી ઉની,જમતાં૦ ।।

ખાજાં ખીર ખુરમા ગોળા,જમતાં૦ । દુધપાક દહીંથરાં બોજાળા,જમતાં૦ ।।૭।।

માખણ મહી દહીંવડાં,જમતાં૦ । ચુરમું લાપસી બે રુડાં,જમતાં૦ ।।

કંસાર બાસંુદિયો ભલી,જમતાં૦ । કેરી રસ રૂડી રોટલી,જમતાં૦ ।।૮।।

પુડલા ને પૂરણપોળી,જમતાં૦ । રેવડી પકોડી બોળી,જમતાં૦ ।।

ગુલાબ ટોપરાંના પાક,જમતાં૦ । જલેબી ને સુંદર શાક,જમતાં૦ ।।૯।।

જાર બાજરી બાવટ પોળી,જમતાં૦ । ઘીમાં ઘઉંની ઝબોળી,જમતાં૦ ।।

મઠ જવના રોટલા,જમતાં૦ । ચિણા ચણાના બહુ ભલા,જમતાં૦ ।।૧૦।।

સુગંધી ભાત ને ખીચડી,જમતા૦ । કોદરી કાંગવું ને કડી,જમતાં૦ ।।

જાર બાજરાનું ધાન,જમતા૦ । સામો બંટીનું નિદાન,જમતાં૦ ।।૧૧।।

રોટલી ને ગળવાણું,જમતાં૦ । અવલપાક આંબલવાણું,જમતાં૦ ।।

રાતાં મરચાં ને રોટલા,જમતાં૦ । મગ ચણાના પુડલા,જમતાં૦ ।।૧૨।।

અડદ મગ ચણાની દાળ,જમતાં૦ । તુવેર મેસુરની દયાળ,જમતાં૦ ।।

વાલ મઠ ને વટાણા,જમતાં૦ । કાજુ કળથી ચોળા દાણા,જમતાં૦ ।।૧૩।।

વૃંતાક વાલોળ વળી,જમતાં૦ । સારા સૂરણ ઘીમાં તળી,જમતાં૦ ।।

સારા શક્કરિયાનાં શાક,જમતાં૦ । વઘાર્યા હાથે શું વૃંતાક,જમતાં૦ ।।૧૪।।

રુડાં રતાળું પતાળું,જમતાં૦ । પરવર પાપડી દયાળું,જમતાં૦ ।।

કેરાં કારેલાં કંકોડા,જમતાં૦ । કોળા ચીકણ ને ચીભડાં,જમતાં૦ ।।૧૫।।

ગલકાં ગવાર ને ઘીસોડા,જમતાં૦ । શાક સાંગરીયોનાં રૂડા,જમતાં૦ ।।

ભીંડાફળી વળી ડોડા,જમતાં૦ । ચોળાફળી ને ચીચોડા,જમતાં૦ ।।૧૬।।

નઇ દુધિયાં ને ટીંડોરા,જમતાં૦ । કાજુ કરેલ તે કોરા,જમતાં૦ ।।

ભરથ ભર્યા ઘણા ઘીનાં,જમતા૦ । રુડાં રાઇતાં રાઇનાં,જમતાં૦ ।।૧૭।।

કોમળ કુબી ને કોચલાં,જમતાં૦ । શાક એક એકથી ભલાં,જમતાં૦ ।।

તાજાં તરબુચ પંડોળા,જમતાં૦ । શાક સારા સુંદર બોજાળા,જમતાં૦ ।।૧૮।।

રસે ભર્યા રુડાં કહિયે,જમતાં૦ । સીમા શાક તણી ન લહિયે,જમતાં૦ ।।

ભર્યા હળદર હવેજે,જમતાં૦ । વળી બહુ મસાલે બીજે,જમતાં૦ ।।૧૯।।

ટાંકા તાંદળિયાની ભાજી,જમતાં૦ । સારા સુવા તલવણી તાજી,જમતાં૦।।

મેથી મોરણની પણ સારી,જમતાં૦ । ભીંડા ડોડીની વઘારી,જમતાં૦ ।।૨૦।।

મૂળા કરલીની પણ કરી,જમતાં૦ । વળી મીઠું ને મોગરી,જમતાં૦ ।।

લંુણી ચીલ ને ચણેચી,જમતાં૦ । જમે પોતે આપે વેંજાચી,જમતાં૦ ।।૨૧।।

ભાજી તાજી રાઇ સારી,જમતાં૦ । ઘણે ઘી જીરે વઘારી,જમતાં૦ ।।

અજમો પોઇ પત્રવેલા,જમતાં૦ । ભજીયા અળવીનાં કરેલા,જમતાં૦ ।।૨૨।।

કોળા વૃતાંક ને આદુ,જમતાં૦ । ભજીયા રતાળુનાં સ્વાદુ,જમતાં૦ ।।

ભયાર્ં હવેજે ભજીયા,જમતાં૦ । કંઇ કહ્યા મેં કંઇ રહ્યા,જમતાં૦ ।।૨૩।।

ફાફડા ને વડાં વડી,જમતાં૦ । કળી ગાંઠીયા ફૂલવડી,જમતાં૦ ।।

પાપડ અડદ ને મગના,જમતાં૦ । ઝીણા લોટની સગના,જમતાં૦ ।।૨૪।।

જાર બાજરાના સારા,જમતાં૦ । જમતાં પાપડ લાગે પ્યારા,જમતાં૦ ।।

માસુખ મઠનાં મઠિયાં,જમતાં૦ । લાગે ફરસાં ન જાય કહ્યાં,જમતાં૦ ।।૨૫।।

ચણા વાલના લીલવા,જમતાં૦ । પય સાકર ને પુંવા,જમતાં૦ ।।

વળી અવલ જો અથાણાં,જમતાં૦ । ધર્યા વાટકામાં ઘણાં,જમતાં૦ ।।૨૬।।

કેરી રાયતી રુપાળી,જમતાં૦ । બીજી બોળેલ રસાળી,જમતાં૦ ।।

લિંબુ બિલિના બનાવ્યાં,જમતાં૦ । લીલી હળદીનાં મન ભાવ્યાં,જમતાં૦ ।।૨૭।।

કેરાં કરપટાં કર્મદાં,જમતાં૦ । ગરમર વાંસનાં રાઇજાદાં,જમતાં૦ ।।

આરિયાં આમળાં ને આદુ,જમતાં૦ । ખરાં ખારેકનાં સ્વાદુ,જમતાં૦ ।।૨૮।।

મરચાં ગુંદાં ને સેલરા,જમતાં૦ । કાજુ મૂળ કંદ કેરાં,જમતાં૦ ।।

વૃંતાક પતાળુનાં વળી,જમતાં૦ । બાવળ ગુવારની ફળી,જમતાં૦ ।।૨૯।।

કોઠીંબાની જે કાચલિયો,જમતાં૦ । બીજી હળદિ તેલે ભરિયો,જમતાં૦ ।।

લીંબુ રસ રુડા નાંખી,જમતાં૦ । સુંદર સારી આગે રાખી,જમતાં૦ ।।૩૦।।

આંબુવાનાં જે અથાણાં,જમતાં૦ । બોળ્યાં સરસિયામાં ઘણાં,જમતાં૦ ।।

મૂળ સર્ગવાનાં સ્વાદે,જમતાં૦ । ઉત્તમ અથાણાં એ આદે,જમતાં૦ ।।૩૧।।

મેથી લવિંગ ને મરિયાં,જમતાં૦ । લિંબુ ખારેકમાં ભરિયાં,જમતાં૦ ।।

મીઠું હળદર ને ધાણા,જમતાં૦ । ભેળાં આથેલ અથાણાં,જમતાં૦ ।।૩૨।।

આથ્યાં અદ્રક ને કટેરાં,જમતાં૦ । વળી ચટણી વેરમવેરા,જમતાં૦ ।।

એવાં અથાણાં અનેક,જમતાં૦ । વિધવિધના વિષેક,જમતાં૦ ।।૩૩।।

કુર કરમલડો કરિયાં,જમતાં૦ । તલસાંકળી જાજરીયાં,જમતાં૦ ।।

ઘૃત દુધ દહીંની તર,જમતાં૦ । શ્વેત ભાત ને સાકર,જમતાં૦ ।।૩૪।।

સાકર રાબ સાકર પાણી,જમતાં૦ । મગજળ ઘી તીખાં વખાણી,જમતાં૦ ।।

લીંબુરસ મરિયાં વારિ,જમતાં૦ । સાંઠા શેરડિયો પણ સારી,જમતાં૦ ।।૩૫।।

ઉભા દર્શન કરવા દાસ,જમતાં૦ । આપ્યા મહાસુખ મુખવાસ,જમતાં૦ ।।

લાવ્યા લવિંગ સોપારી,જમતાં૦ । જાયફળ એલચી સારી,જમતાં૦ ।।૩૬।।

કાથો ચૂનો પાકાં પાન,જમતાં૦ । બીડી સમારી સમાન,જમતાં૦ ।।

સુવા સુંઠ્ય ને સંચળ,જમતાં૦ । મરી અજમો જે અવલ,જમતાં૦ ।।૩૭।।

બુંદ આદુ ને વરીયાળી,જમતાં૦ । તજ જાવંત્રી તમાલી,જમતાં૦ ।।

આપ્યા મુખેથી મુખવાસ,જમતાં૦ । પામ્યા તંબોળ તે દાસ,જમતાં૦ ।।૩૮।।

પછી આણ્યાં સુંદર ફળ,જમતાં૦ । અતિ સ્વાદુ ને નિર્મળ,જમતાં૦ ।।

લાવી દાસે પાસે ધરિયાં,જમતાં૦ । રુડાં રૂપાળાં રસભરિયાં,જમતાં૦ ।।૩૯।।

જાંબુ લિંબુ પાકી કેરી,જમતાં૦ । સારાં કેળા જે સોનેરી,જમતાં૦ ।।

દેખી દાડમ બેદાણે,જમતાં૦ । સ્વાદુ સીતાફળ વખાણે,જમતાં૦ ।।૪૦।।

જામફળ જોયા જેવાં,જમતાં૦ । રામફળ પણ એવા,જમતાં૦ ।।

રાણ્યો સુડિયાં ને બોર,જમતાં૦ । સારાં જમે ધર્મકિશોર,જમતાં૦ ।।૪૧।।

પિલું શેતુ તરસાળું,જમતાં૦ । બીલાં નારંગી દયાળુ,જમતાં૦ ।।

ડોડાં અંજીર અનુપ,જમતાં૦ । ખારેક ખજુર રસરૂપ,જમતાં૦ ।।૪૨।।

ટોપરાં ને કાજુકળિયા,જમતાં૦ । દ્રાક્ષ નીલવા જે ગળિયા,જમતાં૦ ।।

રુડાં બદામ સિંગોડા,જમતાં૦ । મગ ચારોળી જે રુડાં,જમતાં૦ ।।૪૩।।

કમળનાળ કુંણા જોઇ,જમતાં૦ । ગુલાબ ગુલસુબા ફુલ સોઇ,જમતાં૦ ।।

શ્રૃંગીવિષતરુનાં પાન,જમતાં૦ । જેઠીમધ ડોડી નિદાન,જમતાં૦ ।।૪૪।।

ચણેચી ચીભડાં ને ચોળા,જમતાં૦ । રાઇ મોગરી ને મૂળા,જમતાં૦ ।।

મેથી મૂળાની ડાંડલીયો,જમતાં૦ । કુંણિ નર્મ કાજું ભલિયો,જમતાં૦ ।।૪૫।।

મીઠું મરી જીરૂં તાજું,જમતાં૦ । જમે કાકડીયો જોઇ કાજું,જમતાં૦ ।।

દાળ દાળિયા ને મમરા,જમતાં૦ । ધાણિ બાજરી તલ ખરા,જમતાં૦ ।।૪૬।।

પોંક બાજરા ઘઉંનો,જમતાં૦ । ચણા ગુદલીનો ઉનો,જમતાં૦ ।।

મકાઇ ને બહુ મેવા,જમતાં૦ । પ્રદેશી મગ ચણા કેવા,જમતાં૦ ।।૪૭।।

કાજુ કરા ટાઢા હીમ,જમતાં૦ । કોમળ નિર્મળ લૈલિમ,જમતાં૦ ।।

પાકાં ચીભડાં રસાળું,જમતાં૦ । પાકી આંબલી દયાળું,જમતાં૦ ।।૪૮।।

ફણસ બીજોરાંના કળિયા,જમતાં૦ । લાગે અન્નાસના ગળિયા,જમતાં૦ ।।

ગુંદાં કર્મદાં ટીબરવાં,જમતાં૦ । પીપરમધ કોઠાં ને મરવા,જમતાં૦ ।।૪૯।।

મીંઢી આવળ મરચાં રાતાં,જમતાં૦ । કઠણ બહુ કસ્તુરી ખાતાં,જમતાં૦ ।।

થેગ કંદ ચંદ પોળી,જમતાં૦ । જાય નિષ્કુળાનંદ ઘોળી,જમતાં૦ ।।૫૦।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે દ્વિતીય ચિંતામણિઃ ।।।।