દોહા :

એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય ।।

અહોનિશ ઉરમાં ધારતાં, કરવું રહે ન કાંય ।।૧।।

ચરિત્ર સર્વ ચિંતવી, મૂરતિ ધારે મન ।।

કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું ।। છો અવતારના અવતારી, જીવન જાણું છું ।।

મહાસમર્થ છો મહારાજ,જીવન૦ । વળી આપે રાજાધિરાજ,જીવન ૦ ।।૩।।

પુરૂષોત્તમ પૂરણબ્રહ્મ,જીવન૦ । તમને નેતિ કહે નિગમ,જીવન૦ ।।

વાસુદેવ દયાળુ સ્વભાવ,જીવન૦ । મહાપુરૂષ મહાનુભાવ,જીવન૦ ।।૪।।

નારાયણ નિર્વિકારી,જીવન૦ । મહાપરમ મંગલકારી,જીવન૦ ।।

ભકતભયહારી ભગવાન,જીવન૦ । આપ્યા આશ્રિતને અભયદાન,જીવન૦ ।।૫।।

સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ,જીવન૦ । જેને અતિ અગમ કહે શ્રુતિ,જીવન૦ ।।

છો પરમ કલ્યાણકારી,જીવન૦ । એવી નૌત્તમ મૂર્તિ ન્યારી,જીવન૦ ।।૬।।

તમે કોટિ બ્રહ્માંડાધીશ,જીવન૦ । વળી સર્વેતણા છો ઇશ,જીવન૦ ।।

ધર્મધુંરધર ધન્ય ધન્ય,જીવન૦ । ભકિતધર્મના નંદન,જીવન૦ ।।૭।।

અલૌકિક મૂર્તિ આપે,જીવન૦ । જોયે જનમમરણ દુઃખ કાપે,જીવન૦ ।।

તમે કાળમાયાના નિયંતા,જીવન૦ । છો ગુણસાગર ગુણવંતા,જીવન૦ ।।૮।।

તમે ભવ બ્રહ્માના સ્વામી,જીવન૦ । અકળ મૂર્તિ અંતરજામી,જીવન૦ ।।

પતિતપાવન અશરણ શરણ,જીવન૦ । અધમ ઉદ્ધારણ અઘહરણ,જીવન૦ ।।૯।।

નખશિખ મૂર્તિ મંગળરૂપ,જીવન૦ । આવે જોએ સુખ અનૂપ,જીવન૦ ।।

આનંદ પાવ આનંદ કર,જીવન૦ । આનંદમાં મુખ મનોહર,જીવન૦ ।।૧૦।।

આનંદરૂપ અનુપમ એવું,જીવન૦ । સૌ જનને જોયા જેવું,જીવન૦ ।।

આનંદ વસન ભુષણ અંગે,જીવન૦ । આનંદ આપો છો ઉછરંગે,જીવન૦ ।।૧૧।।

કૃપાસિંધુ છો ઘનશ્યામ,જીવન૦ । ક્રોધ લોભ નિવારણ કામ,જીવન૦ ।।

પરમાત્મા પૂરણબ્રહ્મ,જીવન૦ । નીલકંઠ કહે નિગમ,જીવન૦ ।।૧૨।।

જીવ ઇશ્વરના છો સ્વામી,જીવન૦ । વળી સર્વે ધામના ધામી,જીવન૦ ।।

ક્ષર અક્ષરથી છો પર,જીવન૦ । અક્ષર બ્રહ્મ તમારૂં ઘર,જીવન૦ ।।૧૩।।

કાળ માયા તમારી શકિત,જીવન૦ । કરો બહુ કારજ એ વતી,જીવન૦ ।।

કોટિ બ્રહ્માંડને કરે છે,જીવન૦ । ઉત્પત્તિ સ્થિત્તિ ને હરે છે,જીવન૦ ।।૧૪।।

તેના નિયંતા છો તમે,જીવન૦ । સત્ય સ્વામી જાણ્યા અમે,જીવન૦ ।।

કારણના કારણ કહીયે,જીવન૦ । કાળના પણ કાળ લહીયે,જીવન૦ ।।૧૫।।

આત્માના આત્મા છો,જીવન૦ । પ્રાણના પણ પ્રાણ છો,જીવન૦ ।।

તમે ઇશ્વરના ઇશ્વર,જીવન૦ । અંતરજામી છો અઘહર,જીવન૦ ।।૧૬।।

સર્વેના છો સાક્ષી સાર,જીવન૦ । સકળ ફળના દેનાર,જીવન૦ ।।

સ્વયં જયોતિરૂપ રાજો,જીવન૦ । માયાગુણથી પર બિરાજો,જીવન૦ ।।૧૭।।

નિરાકાર નિરંજન કહે છે,જીવન૦ । તેશું તમારી ગતિ લહે છે,જીવન૦ ।।

છો અખંડ અવિનાશી,જીવન૦ । માયા રહિત છો સુખરાશી,જીવન૦ ।।૧૮।।

તમારી મૂર્તિનું પરિમાણ,જીવન૦ । કરી શકે શું અજાણ,જીવન૦ ।।

ચાર મુખે જો બ્રહ્મા ભાખે,જીવન૦ । પાંચ મુખે શિવ કહી દાખે,જીવન૦ ।।૧૯।।

સહસ્ત્ર મુખે કહે શેષ,જીવન૦ । ષડાનન ગાય ગણેશ,જીવન૦ ।।

તોય કોયે ન પામે પાર,જીવન૦ । એવી મૂર્તિ છે અપાર,જીવન૦ ।।૨૦।।

સર્વે શાસ્ત્ર પુરાણ માંયે,જીવન૦ । ગુણ તમારા ગવાયે,જીવન૦ ।।

સર્વે દેવ વંદન કરે છે,જીવન૦ । વેદ સ્તુતિ ઉચ્ચરે છે,જીવન૦ ।।૨૧।।

એવા સમર્થ સહુના સ્વામી,જીવન૦ । સહુ રહે છે શિશ નામી,જીવન૦ ।।

તમારો ભય ભુમીને ભારી,જીવન૦ । તેણે રહી છે લોકને ધારી,જીવન૦ ।।૨૨।।

તમારા ભયે સમે તરૂ ફળે,જીવન૦ । ફુલ ફળ વન સઘળે,જીવન૦ ।।

તમારા ભયથી શેષ હંમેશે,જીવન૦ । ચૌદ લોક ધાર્યા છે શિશે,જીવન૦ ।।૨૩।।

તમારા ભયથકી સાક્ષાત,જીવન૦ । વાસુ વરસાવે વરસાત,જીવન૦ ।।

તમારા ભયથી સૂર્ય શશિ,જીવન૦ । ફરે કાળ શકિત અહોનિશી,જીવન૦ ।।૨૪।।

તમારા ભયે બ્રહ્માંડે મૃત્યુ,જીવન૦ । રહે છે સદા સર્વત્ર ફરતું,જીવન૦ ।।

બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ,જીવન૦ । રહે છે મરજીમાં તતખેવ,જીવન૦ ।।૨૫।।

છે એક એક બ્રહ્માંડાધીશ,જીવન૦ । તે પણ નમાવે છે શીશ,જીવન૦ ।।

એવા છોજી એક નિયંતા,જીવન૦ । સહુ રહે છે તમથી ડરતા,જીવન૦ ।।૨૬।।

એવા મોટા છો મહારાજ,જીવન૦ । તે મળ્યા છો મને આજ,જીવન૦ ।।

તે તો નાથ કરી છે દયા,જીવન૦ । તે ગુણ કેમ કરી જાય કહ્યાં,જીવન૦ ।।૨૭।।

તમે મેજાર મુજ પર કીધી,જીવન૦ । વળી બુડતાં બાંહ્ય ગ્રહી લીધી,જીવન૦ ।।

જેજે કર્યો તમે ગુણ,જીવન૦ । બીજો કરે એવો કુંણ,જીવન૦ ।।૨૮।।

તમે બિરૂદ પાળ્યું તમારૂં,જીવન૦ । જોયું નહિ કર્તવ્ય અમારૂં,જીવન૦ ।।

તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો,જીવન૦ । એતો આડો આંક જ વાળ્યો,જીવન૦ ।।૨૯।।

જનમતાં જતન કીધી,જીવન૦ । મારી બહુનામી બહુવિધિ,જીવન૦ ।।

ખાનપાન ખબર રાખી,જીવન૦ । શું હું દેખાડું કહી દાખી,જીવન૦ ।।૩૦।।

આજ સુધી પણ અમારી,જીવન૦ । રાખો છો ખબર સારી,જીવન૦।।

પળે પળે કરો પ્રતિપાળ,જીવન૦ । એવો બીજો કોણ દયાળ,જીવન૦ ।।૩૧।।

વળી અંતકાળે આવો છો,જીવન૦ । રથ વેલ વિમાન લાવો છો,જીવન૦ ।।

વળી ઘણે મૂલે ચઢી ઘોડે,જીવન૦ । આવો છો સખા લઇ જોડે,જીવન૦ ।।૩૨।।

એમ અલબેલાજી આવો,જીવન૦ । દેહ દાસતણું મુકાવો,જીવન૦।।

તેને તેડી જાઓ છો સાથે,જીવન૦ । બેસારી રથ વિમાન માથે,જીવન૦ ।।૩૩।।

તેને આપો છો અક્ષરધામ,જીવન૦ । થાય છે જન તે પૂરણકામ,જીવન૦ ।।

બીજો એવો કોણ કૃપાળુ,જીવન૦ । તમ વિના દીઠા નહિ દયાળુ,જીવન૦ ।।૩૪।।

તમે દીનતણા છો બંધુ,જીવન૦ । સુખકારી સુખના સિંધુ,જીવન૦ ।।

તમે નાથ અનાથ જનના,જીવન૦ । તમે મહેરબાન છો મનના,જીવન૦ ।।૩૫।।

તમે નોધારાના આધાર,જીવન૦ । તમે દુર્બળના દાતાર,જીવન૦ ।।

તમે ભકતના ભય હરતા,જીવન૦ । નિજજનને નિર્ભય કરતા,જીવન૦ ।।૩૬।।

તમે સંત જનના સ્નેહી,જીવન૦ । કાપો કષ્ટ પડે જેહી,જીવન૦ ।।

તમે દાસતણાં દુઃખકાપી,જીવન૦ । કર્યા સુખિયા સુખ જ આપી,જીવન૦ ।।૩૭।।

એવા ભકત વત્સલ ભગવાન,જી૦ । દીધાં આશ્રિતને અભયદાન,જી૦ ।।

તમે અશરણના છો શરણ,જીવન૦ । દુઃખ ટાળી સુખના કરણ,જીવન૦ ।।૩૮।।

નિજજનના સુખ સારૂં,જીવન૦ । ઇયાં આવવું છે તમારૂં,જીવન૦ ।।

તમે અગમ સુગમ થઇ,જીવન૦ । આવી જન ઉદ્ધાર્યા કંઇ,જીવન૦ ।।૩૯।।

તમે નરતન ધરિયું નાથ,જીવન૦ । સર્વે સામગ્રી લઇ સાથ,જીવન૦ ।।

દઇ દર્શ સ્પર્શનું દાન,જીવન૦ । નિર્ભય જન કર્યા નિદાન,જીવન૦ ।।૪૦।।

મૂર્તિ તમારી મહારાજ,જીવન૦ । સરે સહુનાં જોઇ કાજ,જીવન૦ ।।

દર્શ સ્પર્શ જે તમારો,જીવન૦ । મહામોટુ સુખ દેનારો,જીવન૦ ।।૪૧।।

મળવું તમારૂં છે મોઘું,જીવન૦ । તે તો સહુને થયું છે સોંઘું,જીવન૦ ।।

કિયાં અમે કિયાં આપ,જીવન૦ । કીડી કુંજરનો મેળાપ,જીવન૦ ।।૪૨।।

સહુના નાથ તમે નિયંતા,જીવન૦ । સર્વાધાર સર્વના કરતા,જીવન૦ ।।

સર્વ પર છો સર્વેશ્વર,જીવન૦ । સહુના પ્રેરક પરમેશ્વર,જીવન૦ ।।૪૩।।

કયાં તમે ને કયાં અમે,જીવન૦ । તે તો કૃપા કરી છે તમે,જીવન૦ ।।

તમે અઢળક ઢળ્યા છો આજ,જીવન૦ । મહામેજાર કરી મહારાજ,જીવન૦ ।।૪૪।।

દેખી દુઃખિયા અતિ દાસ,જીવન૦ । તમે આવ્યા છો અવિનાશ,જીવન૦ ।।

કરવા અનેકનો ઉદ્ધાર,જીવન૦ । સહુ જનની લેવા સાર,જીવન૦ ।।૪૫।।

એવી તકમાં હું પણ આવ્યો,જીવન૦ । મારો ફેરો સફળ ફાવ્યો,જીવન૦ ।।

મારા સરિયાં સર્વે કાજ,જીવન૦ । તેતો તમે મળ્યે મહારાજ,જીવન૦ ।।૪૬।।

દુઃખ દરિયામાંથી તાર્યો,જીવન૦ । વળી અધમને ઉદ્ધાર્યો,જીવન૦ ।।

મારા સાચા છો સ્નેહી,જીવન૦ । જોઇ જોઇ જોયું તેહી,જીવન૦ ।।૪૭।।

ખરી વેળાનો ખજીનો,જીવન૦ । છો દામ દોયલા દિનો,જીવન૦ ।।

મારા મરણ ટાણાની મુડી,જીવન૦ । વળી ભવસાગરની હુડી,જીવન૦ ।।૪૮।।

એહ ભરોંસો છે મોટો,જીવન૦ । તે તો કેદી ન થાય ખોટો,જીવન૦ ।।

બદલે નહિ બિરૂદ તમારૂં,જીવન૦ । શીદ શંકા મનમાં ધારૂં,જીવન૦ ।।૪૯।।

છે અચળ મારે આશરો,જીવન૦ । ખરા દિનમાં ખરાખરો,જીવન૦ ।।

મૂર્તિ તમારી મીરાંથ મારી,જીવન૦ । નહીં મેલું હું હવે ન્યારી,જીવન૦ ।।૫૦।।

રાખીશ જીવ સાથે હું જડી,જીવન૦ । નહીં મેલું હું અળગી ઘડી,જીવન૦ ।।

તેમ નહીં મુકાય તમથકી,જીવન૦ । કહે નિષ્કુળાનંદ નકી,જીવન૦ ।।૫૧।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પંચમ ચિંતામણિઃ ।।।।