રાગ:-સિંધુ
કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા;
જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ ।। ૧ ।।
જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું;
ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું. કઠણ ।। ૨ ।।
અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે;
હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે. કઠણ ।। ૩ ।।
એમ દઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે;
નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે. કઠણ ।। ૪ ।।

