કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી
આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઊઠિયા અસુર અનેકજી
અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ ।।
રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઊગરીએ ।। ૨ ।।
અસુર કુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર ।।
જેમ મહા અરણ્યને અલ્પ અગ્ન, વળી બાળી કરે છે છાર ।। ૩ ।।
માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ ।।
જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર નાશ ।। ૪ ।।
કાળ છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર ।।
માટે એને જો મારિયે, તો સહુ ઊગરિયે અસુર ।। ૫ ।।
માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ ।।
એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ।। ૬ ।।
માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત ।।
છેલ્લી આજ્ઞા એ જ છે, કરો એના જીવની ઘાત ।। ૭ ।।
એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર ।।
મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ।। ૮ ।।
નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે ।।
તેને પાને પ્રહલાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે ।।૯।।
ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મો’ર ।।
નિષ્કુળાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર ।।૧૦।।