વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી

કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવા લગે છેકજી

છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન ।।

જે જે માગે તે તે આપે તેને, બહુ કરી સનમાન ।। ૨ ।।

ભૂખ્યો પ્યાસો કોઈ પ્રાણી આવે, માગે મનવાંછિત જે વળી ।।

આપે તેને આદરશું, આરત્ય વાણી સાંભળી ।। ૩ ।।

તેણે જશ વાધ્યો આ જકતમાં, પરલોકે પડી ફાળ ।।

ઇન્દ્ર કહે લેશે આસન મારું, કરું કાંઈક રખવાળ ।। ૪ ।।

પે’લી વે’લી પાળ બાંધિયે, તો રહે તળાવે તોય ।।

આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય ।। ૫ ।।

લાગી આગ્યે કોઈ કૂપ ખણે, તેણે ઓલાય નહિ અંગાર ।।

માટે મેલી ગાફલતા, વે’લો વે’લો કરવો વિચાર ।। ૬ ।।

પછી શક્ર થયો શકરો, થયો હોલો તે હુતાશન ।।

આવ્યા બેઉ ઊડતા, જયાં બેઠા હતા રાજન ।। ૭ ।।

કપોત ગર્યો આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ ।।

આપ્ય મારા તું આહારને, મારા ભૂખે જાય છે પ્રાણ ।। ૮ ।।

ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે આવ્યો તે કેમ અપાય ।।

માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારું દુઃખ જાય ।।૯।।

ત્યારે બાજ કહે બીજું જોઈતું નથી, જોઈએ છે ખાવાનું આ વાર ।।

નિષ્કુળાનંદનો નાથ નાથ કરી, આપ્ય માંસ એહ હોલાભાર ।।૧૦।।