વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી
તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી
રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર ।।
અડગ ઊભા એક પગ ભર, ધારી દઢતા મન ધીર ।। ૨ ।।
રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય ।।
આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ મનમાંય ।। ૩ ।।
ગૃજય ગીધ ચીલ ચીબરી, કાક કરૂરી સુઘરી કપોત ।।
ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે ખદ્યોત ।। ૪ ।।
એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ ।।
તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દઢ અંગ ।। ૫ ।।
ખાન પાનની ખબર નથી, નથી કરતાં નિદ્રા નયણે ।।
ભજે છે ભગવાનને, વારમવાર વયણે ।। ૬ ।।
શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ ।।
પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ ।। ૭ ।।
તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય ।।
તેહ વિના તન મન બીજે, રાખ્યું નથી કહું કયાંય ।। ૮ ।।
જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર ।।
માનવ દાનવ દેવતાને કહો, કેમ ના’વે મને મે’ર ।।૯।।
વિષ્ણુ તેહને વિલોકીને, રીઝ્યા અતિ રમાપતિ ।।
નિષ્કુળાનંદ કહે નાથજી, ઇચ્છયા દેવા પૂરણ પ્રાપતિ ।।૧૦।।