માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી
તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી
અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો ।।
માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો ।। ૨ ।।
ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન ।।
એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન ।। ૩ ।।
એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ ।।
અમે અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ ।। ૪ ।।
ત્યારે વિષ્ણુએ એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તમને વાસ ।।
એહ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુણી લેજો હરિદાસ ।। ૫ ।।
એવી ભકત આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી ।।
તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ ।। ૬ ।।
કાલાવાલાનું કામ નથી, આ તો શીશ સાટાની વાત છે ।।
તેહ વિના કોઈ કરે વલખાં, તે તો કાળી કામળિયે ભાત છે ।। ૭ ।।
જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ, ચાલે કોઈ ચપણ લઈ ।।
પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નઈ ।। ૮ ।।
જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને ।।
મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને ।।૯।।
શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી ।।
નિષ્કુળાનંદ કહે મૂવા પછી, જે જે થાત વાત તે ખરી ।।૧૦।।