રાગ-ધોળ ‘ચાલ સખી જોવાને જઈએ, ખાંતીલો વનમાં ખેલે રે’

સુંદર સારી શિખામણ મારી, માનીલે મનવા મારા રે ।।

ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઈ સ્વભાવ તારા રે ।। ૧ ।।

પરને કહેવા પ્રવીણ છે પૂરો, પોતાનું તો તું ન પેખે રે ।।

સામાને શીખ દેવામાં છે શૂરો, નિજ દોષને નવ દેખે રે ।। ૨ ।।

કોય ન સમજે કારજ તારું, કહું છું કાંયે નહિ થાય રે ।।

શીદને ઉતારુ  છે પરબારું,  કાંરે ન મનાય કાંય રે ।। ૩ ।।

અવળી સમજણ અળગીએ કરી, સવળું સમજાય તો સારું રે ।।

નિષ્કુળાનંદ કહે વિચારી, એટલું માની લે મારું રે ।। ૪ ।।