એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે ।।
તે તો સુણી લિયો સહુ જન, તે પણ કહું કથી રે ।। ૧ ।।
જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લૈયે રે ।।
જેમ જળમાં મોટેરો ઝૂડ, પશુમાં પાડો કૈયે રે ।। ૨ ।।
સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે ।।
એ તો મોટપ્ય દુઃખદાયક, સમજો સહુ મળી રે ।। ૩ ।।
એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે ।।
કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે ।। ૪ ।।