સારો શક્કો બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ ।।
નિષ્કલંક કર્યા નારી નર, ઉત્તમ ઉપદેશ દઈ ।। ૧ ।।
કોય કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી ।।
લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી ।। ૨ ।।
બહુ સામર્થી વાવરી શ્યામ, કામ તે કૈક કરી ।।
પછી પધારિયા નિજધામ, શ્રી ઘનશ્યામ હરિ ।। ૩ ।।
વાંસે રહ્યા વેરી વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા ।।
કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા ।। ૪ ।।