રાગ-ધોળ ‘તુંને સાંભળ આપું શીખ, મોટા મારી માન્યને રે’
માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજયો રે ।।
કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજયો રે ।। ૧ ।।
સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજયો રે ।।
રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજયોરે ।। ૨ ।।
લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે ।।
નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજયો એ મર્મને રે ।। ૩ ।।
આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે ।।
એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે ।। ૪ ।।