સુણો સાધુ શુકજી સરખા રે, નારદ જેવા નેક ।।

નથી ઉપમા માનો મૂરખા રે, ઉર કરો વિવેક ।। ૧ ।।

જડભરત  જેવા  જાણિયે  રે,  સનકાદિક  સમાન ।।

કદરજ  જેવા વખાણિયે રે,  ખરા  ક્ષમાવાન ।। ૨ ।।

એવી સાધુતાને આશરી રે, જયારે લીધો જોગ ।।

ત્યારે પ્રીત સહુશું પરહરી રે, ભૂલવા ભવભોગ ।। ૩ ।।

એની રીત્યે રીત્ય આપણી રે, બીજી રીત્યે બાધ ।।

પરહરો  પરી   પાપણી  રે,  વળગી  એ  વરાધ ।। ૪ ।।

ફોગટ  પડતા બીજા ફંદમા  રે, આવે દુઃખ અત્યંત ।।

નિષ્કુળાનંદ આનંદમાં રે,  સદા  રહોને  સંત ।। ૫ ।।