કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ ।।

ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ ।। ૧ ।।

સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી ।।

અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી ।। ૨ ।।

માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે ।।

નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે ।। ૩ ।।

ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી ।।

થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી ।। ૪ ।।