જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે ।।
કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે ।। ૧ ।।
જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે ।।
અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે ।। ૨ ।।
જોને ચીલ ચઢે અસમાને રે, નજર તેની નીચી છે ।।
દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે ।। ૩ ।।
એવા લક્ષણવાળા લાખુ રે, દીઠા મે દગે ભરિયા ।।
કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા ।। ૪ ।।