રાગ-ધોળ ‘આજ પ્રગટ પૂરણબ્રહ્મ, સહજાનંદસ્વામી’
એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો ।।
આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો ।। ૧ ।।
ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી ।।
કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ ।। ૨ ।।
હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે ।।
આપે વિચાર્યું અંતર માંય, તેહ તપે નહિ તાપે ।। ૩ ।।
તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી ।।
તજી નિષ્કુળાનંદ સંશય શોક, ભાવે લીધા પ્રભુને ભજી ।। ૪ ।।