જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે ।।

સર્વે પર છે સુખની ખાણી, કેવું કહિયે તેને કથી રે ।। ૧ ।।

અનંત મુકત જયાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે ।।

સુખ સુખ જિયાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે ।। ૨ ।।

તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે ।।

તેજોમય જિયાં સર્વે આકાર, શું કહિયે સુખ એનાં રે ।। ૩ ।।

તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી  રે ।।

નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે ।। ૪ ।।