શિષ્ય  ઉવાચ :- દોહા :-

શિષ્ય  કહે  સાચું સહી,  રહ્યું અંધારું ઘોર ।।

જેને શાહા સમજતો, તે   તો   નીસર્યા ચોર ।। ૧ ।।

વળીવળી  બતાવજો, ઓળખાવજો  અરિ એહ ।।

કહો  કપટ કપટીતણાં, હું  સુણીશ  કરી સ્નેહ ।। ૨ ।।

સદ્ગુરુ ઉવાચ:-

સદ્ગુરુ કહે ચિત્ત તાહરું,  ચિંતવે  બહુ આકાર ।।

કહી  કહી  કહીએ  કેટલા, કહેતાં તે  નાવે  પાર ।। ૩ ।।

જે મને ઉત્થાને  મેલિયાં,  પ્રજ્ઞા  કર્યા પ્રમાણ ।।

તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ ।। ૪ ।।

માત  તાત  સુત  સંબંધી,  દેહ ગેહ ઘર નાર ।।

ભાઈ  ભોજાઈ   ભગિની,   એહ   ચિંતવે   વારંવાર ।। ૫ ।।

અવગુણ  ગુણ  અરિ  મિત્રને,  સંભારે ચિત્ત સોય ।।

સુખદ  પદાર્થ સમજી, ચિંતવે  ચિત્ત નિત્ય પ્રોય ।। ૬ ।।

અન્ન  ધન  ધામ  ધરણી,  પશુ  પંખી  ગામ  ગરાસ ।।

દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વ્વાસોશ્વ્વાસ ।। ૭ ।।

પેખી  પર  પોતાતણાં,  રાખે હેત  કુહેત ।।

એવું  સમજી અંતરે, ચોખું  મનાવે  ચિત્ત ।। ૮ ।।

આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય ।।

ચિત્ત  નિત્ય  એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ।।૯।।

આ રોગી આ રોગી નહિ,  આ બુઢા જુવાન બાળ ।।

આ  રૂપ  કુરૂપ  નારી  નર,  ચિત્ત  ચિંતવે  તત્કાળ ।।૧૦।।

પંચભૂતથી  પ્રગટ્યાં, જડ-ચૈતન્યની  જાત ।।

અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત ।।૧૧।।

ચિત્તે  ચિંતવી ચિંતવી,  રાખ્યાં હૃદયમાં રૂપ ।।

ત્રિલોકમાં  તલેતલ, સંભારે  સોય  સ્વરૂપ ।।૧૨।।

સર્વે  રૂપ  સંભારતાં,  ન રહે  નવરું નેક ।।

તારું  સારું  કેમ કરે,  શિષ્ય સમજ  વિવેક ।।૧૩।।

એણે  કર્યું  અતિ અવળું,  તારું ટાળ્યું  ઠામ ।।

તિયાં  નીરખવા નાથને, કરું  છું હૈયામાં હામ ।।૧૪।।

આખા જગતની  આપદા,  ભરી ભીતર મોઝાર ।।

એમાં  જોવા  જગદીશની,  લાલચ  મ  કર  લગાર ।।૧૫।।

શિષ્ય સોદો સંકટ  થયો,  ગયો  મનુષ્યનો દેહ ।।

અજ્ઞાન આખા વિશ્વ્વનું,  રાખી રહ્યો તું તેહ ।।૧૬।।

પળે પળે પડ્યો  પેચમાં,  બળે બળે બળવાન ।।

ગળે ગળે ઝાલી  ગળ્યો,  કળે  કળે  કહું નિદાન ।।૧૭।।

તારું ધાર્યું કયાં રહ્યું ? જો શિષ્ય વિચારી વાત ।।

માને નહિ કોઈ  માંહેલાં, મળી એ  જાત કુજાત ।।૧૮।।

મન માને  મા’લે મળી, ચાલે ડોટા ડોટ ।।

કર્યું કારજ આપણું,  દીધી  તુજને  ખોટ ।।૧૯।।

સોરઠા:-

ખોટ  મોટી  શીદ  ખાયે,  જાયે  જન્મ  આ  એળ્યે  અતિ ।।

વિચારી જોને ઉરમાંયે, કાંય કામ ન થયું રતી ।।૨૦।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુશિષ્યસંવાદે તૃતીયઃ પ્રસંગઃ ।।।।