રાગ:- ધોળ
ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઇએ ભકતને ભરપુર।
બીજી વાત છે બાદલીરે, તમે જાણી લેજો જરૂર; ભીંતર૦ ।।૧।।
જેમ એક એકડો ટાળિયેરે, વળી વાળીયે સોયેક શૂન્ય ।
બુદ્ધિવાનને બેરજ બાંધવીરે, તેતો સમઝણ્યમાં નૂન્ય; ભીંતર૦ ।।ર।।
તેમ મેલી બળ મહારાજનુંરે, સાધનની માનવી સા’ય ।
ભરી ગોળી વારિ વલોવતાંરે, ઉતરે નહિ માંખણ કાંય; ભીંતર૦ ।।૩ ।।
માટે મનમાં મોટો માનવોરે, પ્રગટ પ્રભુનો પ્રતાપ ।
નિષ્કુલાનંદ તેહ નરનારે, ટળી જાય અંતર તાપ; ભીંતર૦ ।।૪।। પદ ।।ર।।