નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી ।

જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમઝુ સમઝી સમરે સદાયજી ।।૧।।

ઢાળ-

સમઝુ સમઝી સમરે, નિશ દિન નારાયણ નામ । શ્વાસ ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ।।ર।।

શેષજી મહાત્મ્ય સમઝી, કરે અખંડ નામ ઉચ્ચાર । સહસ્રમુખમાં જુગલ જીભે, રટે છે એકતાર ।।૩।।

પૃથુ મહિમા પ્રિછીને, માગ્યા દશ હજાર કાન । નારાયણના નામ સુણવા, અતિશય ઉરમાં તાન ।।૪।।

હિરણ્યકશિપૂ શ્રવણે સાંભળ્યો, નારાયણ નામનો નાદ । તપ તજી ત્રિય ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ ।।પ।।

પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજયા શ્રી ભગવાન । અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન ।।૬।।

વિભીષણને ભક્ત થાવું, નોયે રાક્ષસકુળની રીત । પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત ।।૭।।

અસુરકુળને અઘે ભર્યા,તર્યા એવા જીવ અનંત । નિષ્કુલાનંદ નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ।।૮।। કડવું ।।ર।।