જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી
બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી
સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર ।। પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।। ર ।।
ખગ મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર ।। સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ।। ૩ ।।
દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ।। ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ।। ૪ ।।
તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ।। શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ।। પ ।।
જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો નહિ ।। એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ।। ૬ ।।
ધર્મ રહિત ભકત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી ।। એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ।। ૭ ।।
તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ।। પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા ।। ૮ ।।
તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ।। પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।। ૯ ।।
આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ।। નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ।। ૧૦ ।।