આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી
આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી
અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું ।। ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું ।। ર ।।
અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।। અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર ।। ૩ ।।
પર પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન ।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન ।। ૪ ।।
સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ ।। પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ ।। પ ।।
પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર ।। એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર ।। ૬ ।।
ષટ ઊર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ ।। એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।। ૭ ।।
ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ ।। આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ ।। ૮ ।।
એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ ।। અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ ।। ૯ ।।
અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે ।। નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।। ૧૦ ।।

