સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી
ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી
પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ ન રહી અંગ નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।। ર ।।
શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન ।। પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન ।। ૩ ।।
જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર ।। જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।। ૪ ।।
પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર ।। તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર ।। પ ।।
જે પ્રગટ પ્રભુના પ્રેર્યું થકાં, ચાલ્યાં છે જેહ ચરણ ।। તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।। ૬ ।।
જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન ।। તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન ।। ૭ ।।
એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યું છે પવિત્ર ।।તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।। ૮ ।।
એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ ।। માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ ।। ૯ ।।
બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ ।। નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ બળેલ ।। ૧૦ ।।

