રાગ :- ધન્યાશ્રી

બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી ।

શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી ।।૧।।

રાગ :- ઢાળ

ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ । વૈરાગ્ય વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।।

બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો ઠરીને । વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને ।।૩।।

જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ । તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।।

પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું । જેણે કરી પિયુ પામિયે, વામીયે  મેણુ દૂવાગનું ।।૫।।

વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી । મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।।

વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો એહ । તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ ।।૭।।

ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ । એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।।

પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ, તેહ વિના તોળિ તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।।

વારમવાર વિચારી કરી, મોટપ્ય વૈરાગ્યની લૈ લખી । નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી ।।૧૦।। કડવું ।।૧૫।।