રાગ :- ધન્યાશ્રી

શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું જોઈએ આ જીવને સમાજજી ।

જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લઈ લેવું આજજી ।।૧।।

રાગ :- ઢાળ

શોધી સાર સર્વે તણો, લઈ લેવો લાભ લાલચ્યે કરી । આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી હરિ ।।રા।

શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ । શેષદિ નેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ।।૩।।

જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ । તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ ।।૪।।

જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે અતિ ઘણું । તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું ।।પ।।

જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર । તેમ હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ।।૬।।

જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે । તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે ।।૭।।

તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ । તે તો માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ ।।૮।।

માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ । નકી નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ।।૯।।

નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી લઈએ વળી ખોજ । નિષ્કુલાનંદ તો પામીયે, મનમાની મહારાજથી મોજ ।।૧૦।। કડવું ।।૧।।