રાગ-કેદારો:-પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ.

તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ;

વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦ ।। ૧ ।।

નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ;

તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।। ર ।।

શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુકત છે જેહનું નામ;

અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।। ૩ ।।

બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ;

સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦ ।। ૪ ।।

એને ન સમજો કોઈ અણસમજુ, તજયાં જેણે શરીરનાં સુખ;

પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦ ।। પ ।।

વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ;

નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ.તપ૦ ।। ૬ ।।