હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી
તેને તો મનાણું પાપિયે પાપજી, ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી
જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર ।।
દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ।। ર ।।
દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન ।।
દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન ।। ૩ ।।
બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર ।।
જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ।। ૪ ।।
હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે ।।
બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે ।। પ ।।
તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને ।।
એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને ।। ૬ ।।
સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં ।।
ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં ।। ૭ ।।
આખુ જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય ।।
નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય ।। ૮ ।।

