રાગ:- આશાવરી

સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામીરે; સંતો૦ । ટેક-

મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે કામી ।

પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામીરે; સંતો૦ ।।૧।।

જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી ।

તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામીરે; સંતો૦ ।।૨।।

અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી ।

તેને તજીને જે ભજે બીજાને, તેતો કે’વાયે લુણ હરામીરે; સંતો૦ ।।૩।।

જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી,તેનાં પાપ જાયે વામી ।

નિષ્કુલાનંદ કે’ આનંદ ઉપજે, પૂરણ પુરૂષોત્તમ પામીરે; સંતો૦ ।।૪।। પદ ।।૪।।