રાગ:- ધન્યાસરી
ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી ।
પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।।
રાગ :- ઢાળ
કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।।
જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ । સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ ।૩।।
જેમ પન્નગારી પંખીયોમાં સરસ, શૈલમાં સરસ ૩સુમેર । તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઇ ફેર ।।૪।।
જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ । તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ।।૫।।
જેમ પાત્રમાં ક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર । તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર ।।૬।।
જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ । તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ ।।૭।।
જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત । રૂપે સરસ કામદેવ કહીયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય ।।૮।।
કર્તવ્ય કરીને કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી । ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહેછે શ્રીહરિ ।।૯।।
એમ ભક્તિ ભગવાનની, વર્ણવી સહુથી સરસ । નિષ્કુલાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ ।।૧૦।। કડવું ।।૭।।

