રાગ:- ધન્યાસરી
જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એતો થયું જેમ મા’મહિને માવઠુંજી ।
વિવાયે વે’ચાણી લાંણીમાં એ લઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ।।૧।।
રાગ :- ઢાળ
સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।।
તેમ ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ । પકી મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।।
જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ । તે સમઝુ કેમ સમઝીયે, જે રાચ્યો રાંધવા પાષાણ ।।૪।।
એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત । જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।।
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ । જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।।
એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય । ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ।।૭।।
જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની । તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।।
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન । રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન ।।૯।।
પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપસમ થાય । નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય ।।૧૦।। કડવું ।।૪૧।।

