રાગ:- ધન્યાસરી

પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી ।

સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહેછે આગમ નિગમજી ।।૧।।

રાગ :- ઢાળ

આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।।

સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે જેહ સુખ । તે પામેછે ભક્ત પ્રભુતણા, ઘણુંઘણું શું કહિયે મુખ ।।૩।।

સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તકપર જે મોડ । સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।।

સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય । તેહ પામી પૂરણ થયા, તેતો ભક્તિ કરી તેહ માટ્ય ।।૫।।

સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીતપર થઇ જીત । સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।।

જેમ મોટારાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ । પણ જનમી એ જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।।

તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી । પૂરણ પદનીછે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી ।।૮।।

જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જયાં અનળ । એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।।

તેમ ભક્તિથકી આબ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને, નિષ્કુલાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।। કડવું ।।૩૮।।