રાગ:- ધન્યાસરી
ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી।
એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ।।૧।।
રાગ :- ઢાળ
તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।।
ધર્મ વિચારીનેધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર । પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર ।।૩।।
તેમાં કુળ કુટુંબી સગા સંબન્ધી, સહુનો તેકર્યો સંહાર । ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર ।।૪।।
એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ । તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।।
એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત । શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત ।।૬।।
એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ । તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ ।।૭।।
વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ । તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણાનહિ ।।૮।।
માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર । તેમાં હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।।
નિઃસંશય ને નર ઉત્થાને, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનદ એ વારતા, મને માનજો છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।।

