રાગ:- ધન્યાસરી
પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી ।
પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી ।।૧।।
રાગ :- ઢાળ
નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ।।૨।।
જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરૂષોત્તમ પ્રાણ આધાર । હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે એની હાર ।।૩।।
જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર । સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ।।૪।।
એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ । કહ્યું પામત જન્મ પશુપાળનો, તો રે’ત નહિ કાંએ પોચ ।।૫।।
એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર । બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ।।૬।।
અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ । તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।।
વાલ્મિકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ । તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ ।।૮।।
સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી । ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।।
એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઇ । નિષ્કુલાનંદનિશ્ચે વારતા, સૌને સમઝવી મનમાંઇ ।।૧૦।। કડવું ।।૧૫।।