રાગ:- ધન્યાસરી
પાષાણમૂર્તિ પૂજેછે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી ।
સમય વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।૧।।
રાગ :- ઢાળ
પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરેછે સેવ । વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।।
પરોક્ષને પણ પ્રીતે કરી, સમો જોઇ પૂજેછે સેવક । ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઇયે વિધેવિધ વિવેક।।૩।।
સમે દાતણ સમે મર્દન, સમો જોઇને લાવીયે નીર । સમે ચંદન ચરચિયે, સુંદર શ્યામને શરીર ।।૪।।
સમે વસન સમે ભૂષન, સમે સજાવવા સણગાર । સમો જોઇ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ।।૫।।
સમે ભોજન સમે શયન, સમે પોઢાડિ ચાંપિયે પાય । સમા વિના સેવકને, સેવા ન કરવી કાંય ।।૬।।
સમે સામું જોઇ રહી, જોવી કર નયણની સાન। તત્પર થઇ તેમ કરવું, રે’વું સમાપર સાવધાન ।।૭।।
સમે દર્શન સમે પરશન, પૂછવાં તે પ્રેમે કરી । સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી ।।૮।।
સમો જોઇ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર । સમા વિનાની જે વારતા, તેથી દાસને રે’વું દૂર ।।૯।।
જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું કર જોડીને । નિષ્કુલાનંદ કે’ ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને ।।૧૦।। કડવું ।।૨૦।।