(રાગ:-ધોળ) મારી અવિચળ ચૂંકને રાખજોએ ઢાળ.

આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે।।

કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે.. આનંદ ।। ૧ ।।

રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે।।

હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે.. આનંદ ।। ૨ ।।

અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે।।

ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે..આનંદ ।। ૩ ।।

આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે।।

તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે..આનંદ ।। ૪ ।।

કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે।।

કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે..આનંદ ।। ૫ ।।

જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે।।

આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે..આનંદ ।। ૬ ।।

સુખસુખ સુખ જયાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે।।

નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે..આનંદ ।। ૭ ।।

દોહા:-

ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ; ।।

તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ।। ૧ ।।

સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ।।

રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ।। ૨ ।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતં ધીરજાખ્યાનં સંપૂર્ણમ્

ધીરજાખ્યાનં સમાપ્તમ્