વળી કહું એક ભકત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી
તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી
રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર ।।
આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર ।। ૨ ।।
ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત ।।
ભકત તમારો નામ વિભીષણ, આવ્યો છે રાવણનો ભ્રાત ।। ૩ ।।
ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ કહે સુણ્ય દાસ ।।
આવે તો આવે સમ ખાઈને, વણ સમે નહિ વિશ્વાસ ।। ૪ ।।
ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુધા સાચા સમ ।।
તો તેડી જાઈએ પ્રભુ પાસળે, નહિ તો જાવાનું છે વિષમ ।। ૫ ।।
ત્યારે વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ અન્ન ધન ।।
આપે રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન ।। ૬ ।।
તે સેવકે સુણાવ્યું શ્રીરામને, સુણી તર્ત તેડાવિયા પાસ ।।
ભલો ભકત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ ।। ૭ ।।
સુત કલત્ર કારણે, સુર અસુર નર ઇચ્છે ઘણંુ ।।
રાજય ધનરૂપે સહુએ સુખ માન્યું છે, તે તે બંધન જાણ્યું આપણું ।। ૮ ।।
એમ કહી વિભીષણને, રાજી થયા શ્રીરામ ।।
ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારી સમને ઠામ ।।૯।।
એમ નર નિર્જરનાં, જેને સુખ સ્વપ્નાને તૂલ્ય ।।
નિષ્કુળાનંદ કહે એ ભકત હરિના, અતિ મોટા અમૂલ્ય ।।૧૦।।

