ઊદ્ધવ ઊચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી ।
મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી ।।૧।।
ઢાળ –
જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે । ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।।
પછી ભવન ભવન ગઈ ભામીની, લાવી ભેટ ભૂધર અરથે । મહી માખણદુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।।
કોઈક કુરમલડો લાવી, કોઈક તલ બાજરી તલ સાંકળી । કોઈક ધોતી પોતી પીતાંબર, કોઈ લાવી કાળી કાંબળી ।।૪।।
ભર્યો રથ લઈ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની । અગર ચંદન માળા આપી, ઊદ્ધવ કરજો પૂજા મોરારની ।।૫।।
કોઈક કહે ચરણ હૃદે ધરજો, કોઈ કહે અંગોઅંગ ભેટજો । કોઈક કહે હૈયે હાથ ચાંપી, કોઈ કહે ચરણમાં લોટજો ।।૬।।
કોઈ કહે જઈ બકી લેજો, કોઈ કહે ગાલ ઝાલી તાણજો । કોઈ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।।
જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા’વિયું । હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું ।।૮।।
વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઊદ્ધવ કહેજો જઈ કૃષ્ણને । દયાનિધિદયા કરીને,દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।।
ઊદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી । નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ ।।૧૦।। કડવું ।।૩૮।।

