અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતાદીઠી અતિશયદુઃખીજી ।

પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી ।।૧।।

ઢાળ

ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।।

મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।।

લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઇ ખરી, મારૂં માડિયું તમે માન ।।૪।।

તમ સાથે મ સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી ।  પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।।

પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નિસર્યો ।।૬।।

હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।  એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।।

એમ ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।  તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી ।।૮।।

હુંતો વશ છઉં હેતને, સાચું કહુંછું સુંદરી ।  હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી ।।૯।।

પ્રેમનીદોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઊ હાથજી ।  એમ કહિને ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।।