બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી ।
મેલી માન મોટપને મનુષ્યનુંદેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।।
ઢાળ –
સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ।।૨।।
બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે । તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।।
બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।।
સરસ્વતી કહે ઊત્તમ ર્કીિત જેની, વળી નારદ ગુણ જેના ગાયછે । સહસ્રફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ।।૫।।
સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ।।૬।।
જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી । પણ વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।।
તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી । એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી ।।૮।।
જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચતામણી । શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।।
એમ થયું બાઈ આપણે, ઓળખી ન શકયાં એહને। નિષ્કુલાનંદને નાથે સજની, તેહ સારૂંદીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।।

