દોહા –
અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ । દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।।
નર નારી નિઃશંક થયાં, ભાગી બેઠા સહુ ભય । શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।।
સહુને ઊપર શ્રીહરિ, શકો બેસાર્યો સુંદર । ભકિત કરાવી આ ભવમાં, તાર્યા કંઈક નારી નર ।।૩।।
નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય । સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।।
રાગ ધોળ: વધામણાનું
આનંદ આપ્યો અતિઘણોરે, આ સમામાં અલબેલ; પુરૂષોત્તમ પ્રગટીરે
અમૃતના સધુ ઊલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરૂષોત્તમ. ।।૫।।
નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરૂષોત્તમ. । વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરૂષોત્તમ. ।।૬।।
ખોટ્ય ગઈછે ખોવાઈનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરૂષોત્તમ. । દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરૂષોત્તમ. ।।૭।।
કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરૂષોત્તમ. । ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુરૂષોત્તમ. ।।૮।।
સહુને પાર સહુ ઊપરેરે, એવી ચલાવી છે રીત; પુરૂષોત્તમ. । નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરૂષોત્તમ. ।।૯।।
સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરૂષોત્તમ. । સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરૂષોત્તમ. ।।૧૦।।
સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરૂષોત્તમ. । એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરૂષોત્તમ. ।।૧૧।।
ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરૂષોત્તમ. । અખંડ આનંદ આપી જીવનેરે, કાપ્યાં ભારે ભવફંદ; પુરૂષોત્તમ. ।।૧૨।।
ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાંરે, ખરી કરાવી છે ખાટ્ય; પુરૂષોત્તમ. । બંધ કિધાં બિજાં બારણાંરે, વે’તી કિધી અક્ષર વાટ્ય; પુરૂષોત્તમ. ।।૧૩।।
તમ ટાળ્યું ત્રિલોકનુંરે, પ્રકાશી પૂરણબ્રહ્મ; પુરૂષોત્તમ. । અંધારૂ રહ્યું તું આવરીરે, તે ગયું થયું સુગમ; પુરૂષોત્તમ. ।।૧૪।।
સૂરજ સહજાનંદજીરે, આપે થયા છે ઊદ્યોત; પુરૂષોત્તમ. । પૂર્વની દિશાયે પ્રગટીરે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત; પુરૂષોત્તમ. ।।।૧૫।।
અષાડિ મેઘે આવી કર્યાંરે, ઝાઝાં બિજાં ઝાકળ; પુરૂષોત્તમ. । પુર ચાલ્યાં તે પૃથવીયેરે, ધોયા ધરતીના મળ; પુરૂષોત્તમ. ।।૧૬।।
ગાજ વીજ ને વર્ષવુંરે, અગમ સુગમ કર્યું સોય; પુરૂષોત્તમ. । સહુ જનને સુખ આપિયાંરે, દુઃખી રહ્યું નહિ કોય; પુરૂષોત્તમ. ।।૧૭।।
શર્મનો ઢોલ સુણાવિયોરે, દેવા લાગ્યા પોતે દાત્ય; પુરૂષોત્તમ. । દુર્બળનાં દુઃખ કાપીયાંરે, ન જોઈ જાત કુજાત્ય; પુરૂષોત્તમ. ।।૧૮।।
ધન્ય ધન્ય મારા નાથજીરે, ધન્ય ઊદ્ધારિયા જન; પુરૂષોત્તમ. । ધન્ય ધન્ય આ અવતારનેરે, ભલે મળ્યા ભગવાન; પુરૂષોત્તમ. ।।૧૯।।
વારે વારે જાઉં વારણેરે, કર્યાં અમારાં કાજ; પુરૂષોત્તમ. । ઘણે હેતે ઘનશ્યામજીરે, મળ્યા અલબેલો આજ; પુરૂષોત્તમ. ।।૨૦।।
કહીયે મુખથી કેટલુંરે, આપિયો છે જે આનંદ; પુરૂષોત્તમ. । નિષ્કુલાનંદ જાય વારણેરે, સે’જે મળ્યા સહજાનંદ; પુરૂષોત્તમ. ।।૨૧।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૫।।

