દોહા –
વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય । સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય ।।૧।।
અન્ન વિના જેમ ભૂખ ન ભાગે, તૃષા જાય નહિ વણ તોય । શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય ।।૨।।
ઈચ્છે સુખ કોઈ અંતરે, તે સંભારે સુંદર શ્યામ । જે સંભારે સુખ ઊપજે, વળી પામિયે પરમ ધામ ।।૩।।
જેમ રવિમંડળે રજની નહિ, શશિમંડળે નહિ તલ તાપ । તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ ।।૪।।
ચોપાઈ –
એવી મૂર્તિ અતિ સુખકારીરે, સહુને રાખવી હૃદે સંભારીરે । બેઠા દિઠા દિવી અંજવાળેરે, હાંડી મેતાબ રૂડે રુપાળેરે ।।૫।।
જોયા શશિ સૂર્યને તેજેરે, એહ વિના પ્રકાશ બીજેરે । ઝળમળતિ મૂરતિ જોવીરે, જોઇ ચિત્તમાંહિ પરોવીરે ।।૬।।
વસંત ઋતુએ વસન વસંતિરે, પે’ર્યાં હોય અનૂપમ અતિરે । રમતાં દિઠા હોય સખા સંગેરે, રંગભીનો ભર્યા અતિ રંગેરે ।।૭।।
નાખે પિચકારી વારી ભરીરે, નિજજન પર હેતે હરિરે । વળી નાખે ગુલાલ લાલ ઘણોરે, સંભારે એ સમો સોયામણોરે ।।૮।।
એહ મૂર્તિ ધારતાં ઊરરે, બ્રહ્મમો’લે જાવાનું જરૂરરે । વળી રંગભીનો ભર્યા રંગેરે, જેવા જોયા હતા સખા સંગેરે ।।૯।।
ના’તા નદી નદ ને તલાવેરે, કુંડ કૂવા ને સાગર વાવ્યેરે । તેતો થયાં સરવે તીરથરે, જેમાં ના’યા શ્રીહરિ સમરથરે ।।૧૦।।
એવી મૂર્તિ મળી છે જેનેરે, કાંઈ બીક ન રાખવી તેણેરે । કરી લીધું છે સર્વે કામરે, તન છુટે જાશે નિજધામરે ।।૧૧।।
વળી સંભારવા સખા સાથેરે, ચડયા ઘણા મૂલા ઘોડા માથેરે । ધરી ઢાલ અલૌકિક અસિરે, છડી લાકડી ને વળી બંસિરે ।।૧૨।।
ખેલે શાંગ્ય કમાન ને તીરેરે, બાંધ્યો કટાર તે મહાવીરેરે । છતર ચમર અબદાગરિયેરે, એવી મૂર્તિ અંતરમાં ધરિયેરે ।।૧૩।।
બેઠા આંબા આંબલી છાંયડેરે, આસોપાલવ પીપર વડેરે । પીપલ ૩બકોલ ને બોરસડીયેરે, બીજાં બહુ તરુ બોરડિયેરે ।।૧૪।।
જેજે વૃક્ષે બેઠા દિઠા નાથરે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથરે । એહ સંભારતાં અહોનિશરે, થાય બ્રહ્મમો’લે પરવેશરે ।।૧૫।।
એમ અનેક વિધે આ વારરે, ઊઘાડ્યું છે કલ્યાણનું બારરે । વળી બેઠા હોય જેતે જાગેરે, ફુલવાડી ઝાડી બહુ બાગેરે ।।૧૬।।
વન ઊપવન એહ આદિરે, દિઠી મૂર્તિ રૂપાળી રાયજાદિરે । વળી રાજા રંકને ભવનરે, શેઠ શાહુકારને સદનેરે ।।૧૭।।
જોયા લોક પટેલને ઘેરરે, વળી બ્રહ્મસભામાં બહુ વેરરે । એમ જયાં જયાં જોયા જગપતિરે, મહામનોહર મૂરતિરે ।।૧૮।।
ત્યાંત્યાં સંભારતાં ઘનશ્યામરે, સરે જાણજો સઘળાં કામરે । એમ સાઘું કર્યું કલ્યાણરે, સહુ જાણજો જન સુજાણરે ।।૧૯।।
જેજે આ સમે પામ્યા જનમરે, નથી કોય કે’વાતું તેને સમરે । જેમ પારસને કોઈ પામેરે, તેનાં સર્વ સંકટ વામેરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તદશઃ પ્રકારઃ ।।૧૭।।