દોહા –
એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ । એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।।
ધામધણિયે એમ ધારિયું, જન ઊદ્ધારવા છે અપાર । પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઊપકાર ।।૨।।
આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ । એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।।
ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર । પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।।
ચોપાઈ –
આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે । નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।।
લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે । લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।।
માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે । આતો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।।
અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે । શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।।
તેતોેે સંતોષ સહિત લેશેરે, પણ કોઈને દુઃખ ન દેશેરે । એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઈને સંતાપરે ।।૯।।
નિજ સંબંધિ વિના બાઈયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે । કોઈ ઊપર રોષ ન રાખેરે, વળી કોઈને કલંક નહિ નાખેરે ।।૧૦।।
કેની જમાની પણ નહિ કરેરે, જુઠી સાખ્ય પણ નહિ ભરેરે । પડશે આપત તો માગી ખાશેરે, કરજ કેનું ન કાઢવા જાશેરે ।।૧૧।।
નહિ રાખે કોઈની થાપણરે, નહિ વેચે ધર્માદાના કણરે । સહુ ઊપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યારે ।।૧૨।।
કળ છળ કપટ દગાઈરે, તેતો રાખશે નહિ ઊર માંઈરે । ઇરષા અદેખાઈ ને અમર્ષરે, રાખી નહિ ખુવે પોતાનો જશરે ।।૧૩।।
નહિ રાખે કોઈપર રોષરે, એમ વર્તશે સદા અદોષરે । એવા શુભ ગુણ જે અપારરે, આપ્યો એવાને અમે અધિકારરે ।।૧૪।।
સહુના ગુરુ કરી સાપી ગાદીરે, રીત રાખશે એ રાયજાદીરે । ધર્મવંશી ધર્મ થાપશેરે, સારો ઊપદેશ સૌને આપશેરે ।।૧૫।।
એતો કર્યું છે કલ્યાણ સારૂંરે, એમાં બહુ ગમતું છે અમારૂંરે । કાંજે કરવું છે બહુનું કારજરે, નથી રાખવો ફેર એક રજરે ।।૧૬।।
એહ આચારજથી અપારરે, બહુ જીવનો થાશે ઊદ્ધારરે । એમાં નહિ પડે કાંઈ ફેરરે, શીદ કે’વરાવો વેર વેરરે ।।૧૭।।
એમ જન પર હેત કરીરે, આપ ઈચ્છાએ આવ્યા છે હરિરે । ગમે ત્યાંથી તારશે પ્રાણીરે, તેની ગતિ લેશે કોણ જાણિરે ।।૧૮।।
ધાર્યું ધર્મસુતે ધામ દેવારે, સહુ જનને શરણે લેવારે । અતિ અસમર્થ જીવ અંગેરે, પો’ચિ ન શકે સુરપુર લગેરે ।।૧૯।।
તેને તેડી જાવા અક્ષરધામરે, એવું ધાર્યુંછે જો ઘનશ્યામરે । તેહ સારૂં આવ્યા છે આપેરે, જીવ તારવા નિજ પ્રતાપેરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રશઃ પ્રકારઃ ।।૩૮।।

