આ લોકમાં પદાર્થને અને મનષ્યાદિકને કેવી દષ્ટિએ જોવાં ? જે એ સર્વે વિઘ્ન કરનારા છે અને એક તો કોઇ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઇ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે. ને ભણનારા કરતાં પણ ભણાવનારાને વધારે દાખડો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતા ગુરુ વધારે દાખડો કરે ત્યારે જ્ઞાન થાય છે; તે વિના જ્ઞાન થાતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે, તે શું ? જે વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે. ।।૧૧।।

