પછી એક હરિજન સામુ જોઇને બોલ્યા જે, ‘તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો કયાં ? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર  કરવા શીખો, તો ભગવાન રહે.’ એમ કહીને બોલ્યા જે, ‘આ મંદિર સારુ મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે, ‘કેવી મૂર્તિઓ કાઢી આપું ?’ ત્યારે સાધુએ કહ્યું જે, આ નકશા પ્રમાણે કાઢી આપો.’ ત્યારે તે સલાટે કહ્યું જે, ‘લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે.’ પછી સાધુએ કહ્યું જે, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ.’ ત્યારે કહે જે, ‘તો કાઢી આપું.’ પછી સલાટે મૂર્તિઓ કાઢી આપિયું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ ભગવાન પધરાવશું કયાં ? માટે પુરુષોત્તમ ભગવાન પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે, ‘ખબરદાર સંકલ્પ ક્યારે છે તો !’ ત્યારે ભકતના સંકલ્પ બધં થઇ ગયા ! ૫છી તેને કહ્યું જે, ‘આમ નિરંતર રહેવાય તો સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.’ ।।૧૩।।