પછી સ્વામીએ વાત કરી જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઇ રહે નહિ. ત્યારે પૂછ્યું જે,‘જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘યો વેત્તિ યુગપત્ સવર્ં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ  ।’ એ શ્રુતિ બોલીને કહ્યું જે, ‘એવી સમજણ હોય ત્યારે ભગવાનને ને મોટા સાધુને જાણ્યા કહેવાય.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે, તેટલું અજ્ઞાન છે ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે.’ ।।૧૫।।