સ્વામીએ વાત કરી જે,‘સાધુ તો કયાં ઓળખાય છે ?’ એમ કહીને બોલ્યા જે, “જે વરસે છત્રિયું ભાંગિયું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું જે, ‘આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઇ સાધુ નથી, કેમ જે, બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઇએ ન નીસયુર્ં.’ ત્યારે મે કહ્યું જે, ‘શું તારું કપાળ નીસરે ! ગામમાં કયાંય મૂકયું હશે. ને કાઇં ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય ? અને સત્સંગમાં વૈદું કરી કરીને ઘણું પદાર્થ ભેગું કર્યું, હતું, તે કુસંગમાં કયાંઇ રહ્યું, પણ સત્સંગના કામમાં આવ્યું નથી. તે જુઓને એવાને પણ બહુ મોટા માન્યા હોય, માટે સાધુ ઓળખાય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે,”પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યાં, ત્યારે સર્વે સાધુને કહ્યું જે, ‘ગુરુ ગુરુ હોય તે ઊઠીને એક કોરે બેસો.’ ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઊઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે, ‘જેને જયાં મળતું આવે તેમ બેસો.’ પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા.” પછી સ્વામી કહે, “હું બ્રહ્માનંદસ્વામી પાસે રહેતો તે ઊઠીને આત્માનંદસ્વામી પાસે જઇને બેઠો. કેમ જે, બ્રહ્માનંદસ્વામી ટોકે નહિ ને પોતે તો મહા કવિરાજ તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહિ. પછી મહારાજે ઊઠીને જયાં સંતના મંડળ બેઠાં હતાં ત્યાં આવીને જોતે જોતે જયાં આત્માનંદસ્વામી બેઠા હતાં ત્યાં આવીને મને કહ્યું જે,‘તમે તો બ્રહ્માનદં સ્વામી પાસે રહેતા ને ?’ પછી મેં કહ્યું જે,‘આત્માનંદસ્વામી વૃદ્ધ સાધુ છે; તેની સેવાનો કરનારો કોઇ નથી તે સારુ રહ્યો છું.’ પછી મહારાજે કહ્યું જે, ‘ઠીક.’ પછી તો સર્વેને જોઇને બોલ્યા જે, ‘ગુરુએ મૂરખ છે ને ચેલાએ મૂરખ છે. કેમ જે, સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલ્યા હિંદુસ્તાનમાં લઇ જાય એવા છે તેની પાસે જઈને રહ્યા છે.ને ગુરુએ મૂર્ખ છે, જે સાધુની ગરજ રાખતા નથી, માટે કાંઇક ગરજ રાખવા શીખો.’ એટલી શિક્ષા કરીને ગુરુ ગુરુના મંડળ બંધાવ્યા.” પછી સ્વામી કહે જે, “અમારી પ્રકૃતિ તો એકે સાધુ રાખીએ એવી નહોતી પણ મહારાજની મરજી જોઇને બધાય સત્સંગની ખબર રાખવી પડે છે, નીકર તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઇ જોઇએ જ નહિ. અને એક દહાડો પુસ્તક બાંધતાં હાથમાંથી પડી ગયું, પાછું બાંધ્યું જ નથી. કેમ જે, જયારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન કયારે સંભારીએ ?” એમ કહીને બોલ્યા જે,”એવી રીતે બાળમુકુંદાનંદ સ્વામી કહેતા જે,‘બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે ને તેને કોઇક મુકાવે તો મૃત્યુ થાય છે; ને આપણે તો બહાર જ ખડકવાં છે ને હૈયામાં તો મહારાજ ને રાખવા.’ એ વાતો એકાંતિકની છે.” ।।૧૮।।

