સ્વામીએ વાત કરી જે, ‘બીજે જીવ કયાંઇ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે.’ પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે, ‘મહારાજનાં ચરિત્ર દીઠાં-સાંભળ્યા હોય, તોયે કહેતાં-લખતાં અટકે છે કેમ ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો. તે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહિ. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી, તેમ કાંઇ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે. ત્યારે પૂછ્યું જે, એનું કેમ કરવું ? ત્યારે એણે કહ્યું જે, બસેં ઘોડાં સાબદાં  કરો ને તોપોના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ  પડી છે, તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે.’ એટલી વાત કરી.’ ને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, ‘કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઇ પૂગતા નથી.’ એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે,‘સ્વામી! પારસા આવ્યા  કે ?’ એમ કહીને જમવા પધાર્યા. ।।૧૯।।