સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું જે, ‘તારા મનમાં તું અમે જાણે છે જે, મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે.’ ત્યારે હાથ જોડીને કહ્યું જે,‘હા મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે,‘આવા સાધુને મૂકીને જે સુખ ઇચ્છવું, તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે, દૂધનું સુખ લઉં; પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જયાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુઓ ખાય. તે પાટુ ખાઇખાઇને મોઢું તો સૂઝી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહિ; પછી પોતાની મા આવી તોયે ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે, તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે, આજ્ઞા-ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહિ બેસાય; જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ.’ એમ કહીને બોલ્યા જે, ‘આમ ને આમ બે મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળભાવ આવી ગયો છે. ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે.’ ।।૨૧।।

